નવી મુંબઈ ખાતે આવેલ ખારઘરમાં વિશાળ જનમેદની વચ્ચે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારે ગરમીને કારણે એક નહીં પણ 11 લોકોના હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 24 થી વધુ લોકોને અસર થઈ હોવાથી તમામને તુરંત જ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. આકરા તડકાને કારણે અને કાર્યક્રમના સ્થળે કોઈપણ શેડ બનાવવામાં આવ્યો ન હોવાને કારણે 38 ડિગ્રી તાપમાનમાં સવારે 10:30 એ શરૂ થયેલો કાર્યક્રમ બપોરે 1:00 વાગ્યાના અરસામાં પૂર્ણ થયો હતો.
આ સમયગાળા દરમિયાન અનેક લોકોને ગરમીની અસર થતા ડિહાઇડ્રેશન થયું હતું. ચક્કર આવવાને કારણે ભીડમાં અનેક લોકો ફસડાઈ પડ્યા હતા. જેમાંથી 11 લોકોના હીટ સ્ટ્રોકને કારણે મોત નીપજ્યા છે. ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શીંદે અસરગ્રસ્તો ની ખબર કાઢવા માટે હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે થોડા સમય બાદ આ સમગ્ર ઘટનાને રાજકીય વળાંક આપવા માટે અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ હોસ્પિટલ ગયા હતા અને ત્યાં પહોંચીને સરકારને આડે હાથ લીધી હતી. કાર્યક્રમનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હોવાનું અને હવે આ મામલાની તપાસ કોણ કરશે ? તેવો સવાલ એનસીપી નેતા અજીત પવારે કર્યો હતો.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના અગ્રણીઓ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર દત્તાત્રેય નારાયણ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના તેમના અનેક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ઘટના બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા મૃતકોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જે લોકો સારવાર હેઠળ છે તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ સરકાર ઉપાડશે તેમ જણાવ્યું હતું.