અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હવે નિવૃત થયા છે. ત્યારે અમદાવાદ સીપીની આ પોસ્ટ ખાલી છે અને ઇન્ચાર્જ સીપી તરીકે ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને નિયુક્ત કરાયા છે. જેથી કામચલાઉ ધોરણે આ પોસ્ટને લાંબી ચલાવી શકાય તેમ નથી, ત્યારે અનેક સિનિયર આઇપીએસની બદલીઓ બાકી છે, જેની પ્રાથમિક યાદી ગૃહ વિભાગે તૈયાર કરી લીધી છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીને યાદી સોંપીને જરૃરી ફેરફાર કરીને બદલીઓના ઓર્ડર જાહેર કરવામાં આવી શકે છે. આ બદલીઓમાં આઇજીપી કક્ષાથી માંડીને એડીજીપી કક્ષાના અધિકારીઓની સૌથી વધારે છે અને એક સાથે 50 થી વધુ અધિકારીઓના બદલીના હુકમ એક સાથે જાહેર થશે.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે વડોદરા પોલીસ કમિશનર સમશેરસિંહનું નામ ટોપમાં મુકાયું છે, સાથેસાથે આઇબીના વડા અનુપમસિંહ ગેહલોતની પસંદગીનો વિકલ્પ ખુલ્લો રખાયો છે, આ બંને અધિકારીઓ સરકારના સૌથી નજીકના છે અને સ્વચ્છ છબી ધરાવે છે. તો ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડના વડા હસમુખ પટેલ એક વિકલ્પ છે, પરંતુ હાલ તેમને તલાટીની પરીક્ષાની મહત્વની કામગીરી કરવાની છે, તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામો જાહેર કરવાની જવાબદારી છે, જેથી તેમની પસંદગી થઇ શકે તેવી શક્યતા નહિવત છે.
તો ગાંધીનગર રેંજ આઇજી અભય ચુડાસમા, સુરતના પોલીસ કમિશનર અજય તોમર, અમદાવાદ રેંજ આઇજીની બદલી નક્કી છે. આ અધિકારીઓ સરકારની ગુડ બુકમાં પહેલાથી જ હોવાથી તેંમને તેમની પસંદગીની પોસ્ટ મળે તેવી ગોઠવણ કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાંક અધિકારીઓએપોતાની મનગમતી પોસ્ટની યાદીના વિકલ્પો પણ ગૃહમંત્રીને આપ્યા છે. જો કે સરકાર એટીએસ અને અમદાવાદ તેમજ ક્રાઇમબ્રાંચમાં કોઇ મોટા ફેરબદલ કરે તેવી શક્યતા નહીવત છે. કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાલ એટીએસ અને ક્રાઇમબ્રાંચ દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.
સાથેસાથે આગામી 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલી કરવા માટે રાજ્ય સરકારને સીધી સુચના હોવાથી ગૃહવિભાગે છેલ્લાં લાંબા સમયથી એક સ્થાને રહેલા અધિકારીઓની યાદી અલગથી તૈયાર કરીને અગાઉથી ગૃહ મંત્રીને સોંપી દેવામાં આવી હતી. જે અંગેનો ફાઇનલ નિર્ણય હવે આગામી બે દિવસમાં લેવામાં આવશે.