મહાઠગે જી-૨૦ સમિટની ઈવેન્ટ કરાવી ડૉકટર સાથે વિશ્વાતઘાત કર્યો
મહાઠગ કિરણે પીએમઓના એડી.ડાયરેકટર સ્ટ્રેટેજી તરીકે ઓળખ આપી થલતેજમાં રહેતાં અને આબાંવાડી ખાતે કંપની ધરાવતા બીએએમએસ ડૉકટર હાર્દિક ચંદારાણા સાથે પણ વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ ક્રાઈમબ્રાંચમાં નોંધાઈ છે.ડૉકટરને આરોપીએ પોતાની વાકછટાથી આંજી દઈ હોટલ હયાતમાં જી-૨૦ સમીટના બેનર હેઠળ ઈવેન્ટ કરાવી તેનો તમામ ખર્ચ ભોગ બનનારે ચૂકવ્યો હતો.કિરણે ડૉકટરને કાશ્મીરમાં મોટી ઈવેન્ટનું કામ અપાવવાની વાત કરી તેમજ કાશ્મીર જવા માટે ફલાઈટની ટિકિટ અને હોટલ લલીતમાં રૃમ બૂક કરાવ્યો હતો. તે પછી ડૉકટરને કાશ્મીર લઈ મેડિકલ ઈવેન્ટ માટેની જગ્યા બતાવી હતી. હોટલ હયાતની ઈવેન્ટ અને કાશ્મીર ટૂરનો ત્રણ લાખ જેટલો ખર્ચ થયો તે હાર્દિક ચંદારાણાએ ભોગવ્યો હતો. કિરણ અંગેના સમાચાર વાંચીને ઠગાઈનો ભોગ બનેલા ડૉકટરે ક્રાઈમબ્રાંચે શનિવારે ફરિયાદ કરી હતી.
કાશ્મીરમાં મેડિકલ ઈવેન્ટ આપવાની વાત કરી ડૉકટર પાસે ફલાઈટ ટિકિટ અને હોટલનો રૃમ બૂક કરાવ્યો હતો.
થલતેજમાં ડ્રાઈવઈન રોડ પર ગાલા એર્ટનીયા ખાતે રહેતાં અને આબાંવાડીમાં જીએસટી ભવન સામે આવેલા શ્યામક કોમ્પ્લેક્ષમાં આરએક્સ ઈવેન્ટસના નામથી કંપની ધરાવી વેપાર કરતા ડૉ.હાર્દિક કિશોરભાઈ ચંદારાણા (ઉં,૩૭)એ આરોપી કિરણ ઉર્ફ બંસી જગદીશભાઈ પટેલ વિરૃધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ જાન્યુઆરી,૨૦૨૩ના રોજ કિરણે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે, હું ઈવેન્ટ કરવાનો છુ, જેનું કામ તમને આપવાનું છે. ૧૦મી જાન્યુઆરીના રોજ કિરણ ફરિયાદીની ઓફિસે પહોંચ્યો અને ત્યાં ગેસ્ટના નામ વોટસએપ કરી હોટલ હયાત ઈવેન્ટ માટે નક્કી કરી હતી.
કિરણે જણાવ્યું કે, હું પીએમઓ કાર્યાલયમાં કામ કરૃ છું, મને કાશ્મીર ડેવલોપમેન્ટની જવાબદારી સોંપી છે. હું તમને કાશ્મીરમાં મેડિકલ કોન્ફરન્સની મોટી ઈવેન્ટનું કામ આપીશ. તે પછી આરોપીએ એડી.ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈન)પીએમઓ લખેલું વિઝિટિંગ કાર્ડ ફરિયાદીને વોટસએપ કર્યું હતું. આ કાર્ડ જોઈને ભરમાઈ ગયેલા ફરિયાદી હોટલ હયાતની ઈવેન્ટ કરવા તૈયાર થઈ ગયા હતા. આરોપીએ તે પછી ૨૯મી ઈવેન્ટ હયાતના નામે વોટસએપ ગૂ્રપ બનાવ્યું જેમાં ફરિયાદીને એડ કર્યા હતા. તે પછી આરોપીએ જી-૨૦ સમિટ સ્કોપ એન્ડ પ્રાયોરીટીસ ફોર વરીયસ ઈન્ડસ્ટ્રીઝના વિષય હેઠળ બનાવવાનું કહ્યું તેમજ ચિફ ગેસ્ટના નામ અને ફોટા મોકલ્યા હતા. ફરિયાદીએ તેઓની કંપનીમાં પોસ્ટર બનાવી આપ્યું અને ૨૯મી જાન્યુઆરીના રોજ આશ્રમરોડની હોટલ હયાત રેઝન્સીમાં ઈવેન્ટ કરી જેનો ખર્ચ ૧,૯૧,૫૧૪ ડૉ હાર્દિક ચંદારાણાએ ચુકવ્યો હતો.
કિરણ પટેલે તે પછી ફોન કરી ફરિયાદીને જણાવ્યું કે, તા.૮ ફેબુ્રઆરી થી ૧૦ ફેબુ્રઆરી સુધી કાશ્મીર ખાતે મેડિકલ કોન્ફરન્સની ઈવેન્ટના આયોજન માટે જવાનું છે. કિરણના કહેવા મુજબ ડૉ હાર્દિકે શ્રીનગરની એરટિકિટ અને લલીત હોટલમાં રૃમ બૂક કરાવતા બંને શ્રીનગર ગયા હતા. શ્રીનગરમાં આરોપીએ મેડિકલ કોન્ફરન્સ માટે જગ્યા બતાવી ફરિયાદીને જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરીશું. આ ટૂર પેટે પણ ડૉકટર હાર્દિકે રૃ.૧.૬૦ લાખનો ખર્ચ કર્યો હતો. આમ, કિરણે પીએમઓ અધિકારીની ઓળખ આપી મોટી ઈવેન્ટનું કામ અપાવવાની લાલચ આપી ડૉકટર હાર્દિક પાસે હયાતની ઈવેન્ટ અને કાશ્મીર ટૂર પાછળ સાડા ત્રણ લાખનો ખર્ચ કરાવ્યો હતો.
કિરણની ધરપકડઃ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા
ક્રાઈમબ્રાંચની કસ્ટડીમાં રહેલા કિરણના પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડા સાથે ઠગાઈના ગુનામાં કિરણના રિમાન્ડ પુરા થતા તેણે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કોર્ટે કર્યો હતો. ક્રાઈમબ્રાંચે કિરણની ડૉ હાર્દિક ચંદારાણાની ફરિયાદ મામલે ધરપકડ કરી શનિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
જી-૨૦ સમિટ વોટસએપ ગૂ્રપમાં રહેલા લોકોના નિવેદન થશે
ક્રાઈમબ્રાંચે કિરણના વોટસએપ ગૂ્રપમાં રહેલા લોકોને શોધી તેઓના નિવેદન લેવાની તેમજ તેઓની હાજરીમાં કિરણની પૂછપરછ કરવાનો નિર્ણય લીધો છે. આરોપીએ રાજકારણઈઓ, આઈએએસ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓને પણ તેના વોટસએપ ગૂ્રપમાં સામેલ કર્યા હતા.