Home Videos Latest News Web Story

એક યુવાન જે સરકારી પરીક્ષાઓમાં તેમજ બોર્ડની પરીક્ષાઓમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડે છે. તેણે કરેલા એક એક દાવા સાચા પડે છે. કરાઈ એકેડમીમાં ચાલતા કૌભાંડથી લઈને ડમી વિદ્યાર્થીઓને બેસાડીને સરકારી પરીક્ષાઓ પાસ કરાવવાની વાતમાં યુવરાજસિંહ કરેલા તમામ દાવા સાચા પડ્યા છે. જોકે, શુક્રવારે યુવરાજસિંહનો એક ઇમોશનલ વિડીયો સામે આવ્યા બાદ શનિવારે તેમના જ એક સાથે તેમની ઉપર ગંભીર આક્ષેપ કરતાં ચાર મચી છે. હજી શુક્રવારે યુવરાજસિંહએ કરેલા દાવાને સમર્થન આપતી ઘટના ભાવનગરમાં બની છે. જેમાં 36 લોકો સામે પોલીસે ડમી વિદ્યાર્થી બેસાડીને 2012 થી 2023 સુધીમાં લેવાયેલી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા હોય તેવા ઉમેદવારોના નામ શોધી કાઢ્યા છે. જેમાંથી કેટલાક હાલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તો કેટલાક હાઇકોર્ટમાં સરકારી કર્મચારી કે અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

સરકારી ખાતામાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારને બહાર પાડનાર યુવરાજસિંહ ઉપર જ હાલમાં તેમના અંગત બીપીન ત્રિવેદીએ ભ્રષ્ટાચાર નો આક્ષેપ મુકતા હડકંપ મચી છે. બીપીન ત્રિવેદીએ આક્ષેપ કર્યા છે કે, યુવરાજસિંહ નામ ન ખોલવાની શરતે કેટલા લોકો પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે. જોકે આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો સમય જ બતાવશે પરંતુ હજી શુક્રવારે યુવરાજસિંહે પોસ્ટ કરેલો વિડિયો અને બાદમાં શનિવારે તેમના ઉપર થયેલા આક્ષેપોને લઈને ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોવાના પણ સંકેતો મળી રહ્યા છે. યુવરાજસિંહને કારણે એક નહીં પણ અનેકની હાટડીઓ ધમધમતી બંધ થઈ છે. શુક્રવારે ભાવનગર પોલીસે જે ફરિયાદ નોંધાવી છે તેમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડમી વિદ્યાર્થી તરીકે જેને પરીક્ષામાં બેસાડવામાં આવ્યો હતો, તેનો ઉલ્લેખ યુવરાજસિંહ કરતા તે યુવકને અંડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો હતો. 

યુવરાજસિંહના આક્ષેપોમાં તથ્ય છે તે તો જગજાહેર થઈ ગયું છે. ત્યારે હાલમાં યુવરાજસિંહ ઉપર કરવામાં આવેલા આક્ષેપોને લઈને અનેક ચર્ચાઓ જોર પકડી રહી છે. આ તમામ આક્ષેપો રાજકીય ઈશારે કરવામાં આવ્યા હોવાનું તેમજ આની પાછળ રાજકીય પરિબળો કામ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સરકારી પરીક્ષામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડનાર જ ભ્રષ્ટાચાર કરે તે વાત કોઈને ગળે ઉતરે તેમ પણ નથી.