વકીલોના મૃત્યુના કિસ્સામાં ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ ચૂકવાતી રૂ. ૩.૫૦ લાખની મૃત્યુ સહાયની રકમમાં વધારો કરી રૂ.પાંચ લાખ કરવા અને ગુજરાતમાં પણ રાજસ્થાનની માફક એડવોકેટ પ્રોટેકશન બીલ પસાર કરી લાગુ કરવા ખુદ ગુજરાત બાર કાઉન્સીલના ત્રણ સભ્યો તરફથી ગુજરાત બાર કાઉન્સીલને રજૂઆત કરવામાં આવી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિરોધ પક્ષના ગુલાબખાન પઠાણ સહિતના ત્રણ સભ્યોએ બાર કાઉન્સીલને પત્ર લખી માંગણી કરી છે કે, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટ વેલફેર ફંડમાંથી મૃત્યુ સહાય ૨૦૧૮માં એક લાખ વધારી ૩.૫૦ લાખ ક૨વામાં આવી છે. ત્યારે છેલ્લા ૩ વર્ષથી વકીલોના વેલફેર માટે ગુજરાત સરકાર પણ વેલફેર ફંડમાં અનુદાન આપે છે. ત્યારે કોવીડ બાદની હાલની પરિસ્થિતિમાં મોંઘવારી સહિતના પાસાઓ ધ્યાનમાં લેતા જીવનનિર્વાહ કરવુ ભારે મુશ્કેલ થઇ પડયુ છે. તેથી મૃતક વકીલોના પરિજનોને મૃત્યુ સહાયની જે રકમ વેલ્ફેર ફંડમાંથી ચૂકવાય છે તે વધારી રૂ. પાંચ લાખ કરવામાં આવે તેવી માંગણી છે. સાથે સાથે જુનીયર વકીલનો ત્રણ વર્ષ સુધી મહિને પાંચ હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે.
બાર કાઉન્સીલના સભ્યો તરફથી એ મુદ્દે પણ રજૂઆત કરાઇ કે, ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં વકીલો ઉપર જીવલેણ હુમલાઓ-ધમકીઓના બનાવો નોંધાતા હોય છે, જેમાં ઘણીવાર ગંભીર ઈજાઓ સાથે મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે. આ સંજોગોમાં વકીલો અને તેમના કુંટુંબીજનોને સુરક્ષા આપી તેમનું રક્ષણ કરવાની જવાબદારી રાજય સરકારની છે. તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે પણ વકીલો પર હુમલાની વિગતો માંગી છે ત્યારે આપણા પાડોશી રાજય રાજસ્થાનમાં વકીલોની સુરક્ષા અંગેનુ બીલ પસાર કરવામાં આવ્યું છે તે જ પ્રકારે ગુજરાતની સંવેદનશીલ સરકારમાં પણ વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેકશન એકટ બીલ પસાર કરી સમગ્ર વકીલ આલમને સુરક્ષા મળે તે માટે પણ ઉગ્ર માંગણી પત્રમાં કરવામાં આવી હતી.