સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં આવી રહેલા દારૂના જથ્થાને કઠલાલ નજીક પકડી પાડવામાં આવ્યો હતો. જોકે પાયલોટિંગ સાથે રાજ્યમાં લાવી રહેલા બંને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહન મૂકીને ફરાર થઈ ગયા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ગુજરાત રાજ્યમાં કઠલાલ ગામ તરફ એક ફોરવીલ વાહન પાયલોટિંગ કરી અને બીજી ફોરવીલ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરવાના છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફાગવેલ ગામથી કઠલાલ ગામ વચ્ચે ઇન્દોર અમદાવાદ હાઈવેને ક્રોસ કરી, ડાકોર કપડવંજ હાઇવે નીચે બાતમી મુજબના રૂટ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમી મુજબની પાયલોટિંગ વાળી અને દારૂ ભરેલી ગાડી આવતા પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસની ગાડીથી 70 મીટર દૂર બંને ગાડીના ચાલકો ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા.
પોલીસ દ્વારા બંને ગાડીઓને રોડની સાઈડમાં લેવડાવીને ટ્રાફિક ક્લીયર કરાવવામાં આવ્યો હતો. બાદમાં ગાડીમાં તપાસ કરતા રૂપિયા 1,28,325 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે રૂપિયા 8 લાખની કિંમતની બે ગાડીઓ પોલીસે કબજે કરી હતી. પોલીસે કુલ રૂપિયા 9,28, 325 નો મુદ્દામાલ કબજે લઈને લોકેશ ભોય (રહે. લોહરિયા ગામ, બાસવાડા નજીક, જિલ્લો બંસવારા), ગાડી નંબર RJ -03-CB-5298 તથા GJ -01-KG-0651 ના ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે