અમદાવાદ: નવરંગપુરામાં ઝેવીયર્સ કોલેજ રોડ પરની બંગલો ધરાવતા સિનિયર સિટીઝન ઉદ્યોગપતિનો ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી ૨.૭૦ કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવનાર ગેંગના વધુ બે સાગરિતને સાયબર સેલે ઝડપી લીધા છે. આરોપીઓએ વીડિયો પર વર્ચ્યુઅલ સેક્સ કરાવનાર યુવતીએ આત્મહત્યા કર્યાનું જણાવી દિલ્હી સીબીઆઈ અધિકારી અને પોલીસની ધમકી આપી ફરિયાદીને ડરાવી પૈસા પડાવ્યા હતા. પોલીસે હરિયાણાના મેવાત અને રાજસ્થાનના ભરતપુર જીલ્લામાં સર્ચ ઓપરેશન કરી ઓનલાઈન ફ્રોડના જૂદા જૂદા ગૂનાના પાંચ જેટલા લોકોને પકડયા જેમાં બે સગીરનો સમાવેશ થાય છે.
વર્ચ્યુઅલ સેક્સની લાલચમાં ફરિયાદી ફસાયાઃદિલ્હી સીબીઆઈ અધિકારી અને પોલીસની ધમકી આપી હતી.સાયબર સેલની ટીમે રાજસ્થાનના ભરતપુર જીલ્લામાં તપાસ કરીને ન્યુડ વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરવાના પ્રકરણમાં આરોપી તાહીરખાન ભરતુ ખાન (ઉં,૪૮) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પકડયા હતા. આરોપીઓએ ન્યુડ વીડિયો કલીપ સોશિયલ મીડિયામાંથી ડીલીટ કરવાના નામે ફરિયાદી પાસથી ૨,૬૯,૩૨,૦૦૦ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મેળવી હતી.
સાયબર સેલની ટીમે હરિયાણાના મેવાત જીલ્લામાં સર્ચ ઓપરેશન કરી આર્મી અધિકારીની ઓળખ આપી આર્મી કેમ્પમાં એરકોમ્પ્રેસર ખરીદવાની વાત કરી ફરિયાદનો વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ એર કોમ્પ્રેસરનો ઓર્ડર ફાઈનલ કરતા પહેલાં ક્રેડીટ એડવાન્સ પેમેન્ટ કરવા ફરિયાદીને જણાવ્યું હતું. આ રીતે જૂદા જૂદા ચાર્જ પેટે આરોપીઓએ ફરિયાદી પાસેથી પેમેન્ટ મેળવીને કુલ રૃ.૬,૫૯૯૬૨ની મત્તાની ઠગાઈ આચરી હતી. આ ગુનામાં પોલીસે ઈરશાદખાન હસનમહમદ મેઉ (ઉં,૨૮)ની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કોઈ રોક્ડ રકમ કે મુદ્દામાલ મળ્યો નથી. જો કે, સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસોમાં અમે ઓનલાઈન ફ્રોડની રકમ જપ્ત કરીશું.આરોપીઓની તપાસમાં તેઓએ જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા તેમજ બેંકમાં ઉપાડી જે લોકોને આપ્યા તેની વિગતો અમને મળી છે. ટુંક સમયમાં ન્યુડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાના પ્રકરણમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે. સાયબર સેલની તપાસમાં આરોપીઓની પૂછપરછમાં આ ગેંગ દ્વારા અન્ય રાજ્યોમાં આચરવામાં આવેલા ૧૭ થી ૧૮ જેટલા સાયબર ક્રાઈમના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પેન્સિલ પેકીંગના નામે ફ્રોડ કરતી ગેંગના બે પકડાયા
સાયબર સેલની ટીમે પેન્સિલ પેક કરો અને ઘરે બેઠા પૈસા કમાવવાના વીડિયો સોશિયલ મીડિયા પર મુકી લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરતી ટોળકીના બે સભ્યોને પકડયા છે. પોલીસે રાજસ્થાનના ભરતપુર જીલ્લાના ગઢી મેવાત ગામના સરફુ ભવરીયા ઉર્ફ સાદીલ પહટ (મેવાતી મુસ્લીમ) (ઉં,૪૬)ની તેમજ એક સગીર સહિત બેને પકડયા છે. પેન્સિલ પેક કરો પૈસા કમાવો વીડિયો મુકનાર ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.