પોલીસ દ્વારા સામાજીક જવાબદારીના ભાગરૂપે નવતર કામગીરી હાથ ધરવામાં આવી. ડીવાયએસપી સ્તરના અધિકારીઓ વૃદ્વો અને કૌટુબિકજનો વચ્ચે સુમેળ સાંધીને વૃદ્વોને પરિવારમાં પરત મોકલશે.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત, સામાજીક જવાબદારીના ભાગરૃપે કેટલીક મહત્વની કામગીરી કરવામાં આવે છે. પરંતુ, પોલીસે વિભાગ દ્વારા હવે વૃદ્વાશ્રમમાં રહેતા વૃદ્વોની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક નવતર શરૃઆત કરવામાં આવી છે. જેમાં વૃદ્વાશ્રમમાં રહેતા વૃદ્વો અને તેમના પરિવારજનો સાથે બેઠક યોજીને પોલીસ અધિકારીઓ હવે તેમના પારિવારિક વિખવાદ હલ કરીને વૃદ્વાશ્રમમમાં રહેતા વૃદ્વોને તેમના ઘરે કે પરિવાર સાથે રહેવા માટે પરત મોકલી આપવાની માનવીય કામગીરી કરશે. તેમજ, કોઇ કિસ્સામાં કાયદાકીય મદદ જોઇતી હોય તો પણ મદદ કરવામાં આવશે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સામાજીક જવાબદારીના ભાગરૃપે નવતર પ્રયોગની શરૃઆત કરી છે. જેમાં રાજ્યમાં આવેલા તમામ વૃદ્વાશ્રમમાં જઇને પોલીસ વૃદ્વોને વ્યક્તિગત રીતે મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા બાદ તેમના પરિવાર સાથે થયેલા વિખવાદના કારણ જાણશે અને તેમના પરિવારજનો સાથે બેઠક યોજીને તેમના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવીને વૃદ્વોને પુનઃ પોતાના ઘરે મોકલવાનું કાર્ય કરશે.. આ માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તે વિસ્તારના ડીવાયએસપીને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં મહિલા પોલીસની શી ટીમ મદદ કરશે.. એટલું જ નહી કોઇ કિસ્સામા વૃદ્વોને મિલકત કે અન્ય બાબતને લઇને કાયદાકીય મદદની જરૃર હોય તો તે બાબતે પણ પોલીસ મદદ કરશે.. રાજ્યમાં વૃદ્વાશ્રમમાં આ પ્રકારનો આ નવતર પ્રયોગ પ્રથમવાર કરવામાં આવી રહ્યો છે. જેને તમામ વૃદ્વાશ્રમના સંચાલકોએ આવકાર્યો છે.