Home Videos Latest News Web Story

અમદાવાદ: અમરેલી જિલ્લામાં હમાપુરા ગ્રામ પંચાયતમાં સાંસદની ગ્રાંટમાંથી પ્રાર્થના હોલ અને લાયબ્રેરી બનાવવાના પ્રકરણમાં લાખો રૃપિયાની ઉચાપતના કૌભાંડમાં સરપંચ, ઉપસરપંચ સહિતના કસૂરવારો વિરૃધ્ધ પગલાં નહી લેવાતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં  હાઇકોર્ટે રાજય સરકાર, અમરેલી જિલ્લા કલેકટર, બગાસડા ટીડીઓ અને હમાપુરા ગ્રામ પંચાયત વિરૃધ્ધ કારણદર્શક નોટિસો જારી કરી હતી. વધુમાં, હાઇકોર્ટે  આ કેસમાં ટીડીઓના વડપણ હેઠળ તપાસ સમિતિ નીમાઇ હોવાછતાં આજદિન સુધી કેમ રિપોર્ટ રજૂ કરાયો નથી અને કેમ કોઇ પગલાં કસૂરવારો વિરૃદ્ધ લેવાયા નથી તે મુદ્દે ખુલાસો કરવા પણ સરકારપક્ષ અને અમરેલી ડીડીઓને નિર્દેશ કર્યો છે.

અમરેલી હમાપુરા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય પરિમલ બાબરીયા  તરફથી કરાયેલી રિટ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, અમરેલી જિલ્લાની હમાપુરા ગ્રામ પંચાયતમાં ૨૦૧૯-૨૦૨૦માં રાજયસભા સાંસદની ગ્રાંટમાંથી પ્રાર્થના હોલ અને લાયબ્રેરી બનાવવાનું હતું. સરપંચની ગેરહાજરીમાં ઉપસરપંચે માર્ચ-૨૦૧૯ના રોજ ઠરાવ કરીને કામગીરીનો કોન્ટ્રાકટ આપી દીધો. બીજીબાજુ, સરપંચ ેકામગીરી પોતે કરી છે તેવું બતાવવા ખોટા બીલો મેળવી ગેરકાયદે ઠરાવ કર્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, જે ફર્મને કામ સોંપાયુ તેના બીલો તા.૫ અને ૧૦-૪-૨૦૧૯ના હતા અને તેને બાદમાં એટલે કે, તા.૧૩-૬-૨૦૧૯એ જીએસટી નંબર મળ્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૃપિયાની ઉચાપત અને સાંસદની ગ્રાંટનો દૂરપયોગ થયો હોવાનો આક્ષેપ કરી અરજદારે સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ કરતાં અને ડીડીઓએ તા.૧૮-૯-૨૦૨૧ના રોજ સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ સરપંચ પદેથી દૂર કર્યા હતા. પરંતુ ઉપસરપંચ જયેશ મનુભાઇ બોરડ વિરૃધ્ધ ફરિયાદ થયેલી હોવાછતાં પગલાં નહી લેવાતા અરજદારે તા.૧૩-૯-૨૦૨૨ અને તા.૫-૧૦-૨૦૨૨ અને તા.૧૭-૧૦-૨૦૨૨ના રોજ રિમાઇન્ડર કરવા છતાં ડીડીઓ દ્વારા કોઇ પગલાં લેવાયા નહી. છેવટે તા.૨૭-૯-૨૦૨૧ના રોજ સ્થાનિક ધારાસભ્ય ને પણ આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે રજૂઆત કરાતાં તેમણે આ સમગ્ર મામલે તપાસ કરી પૂર્ણ  કરી અહેવાલ રજૂ કરવા જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ હતું. ડીડીઓએ કુકાવાવની તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની ટીમ બનાવી તેને તપાસ સોંપી હતી. છતાં આજદિન સુધી તપાસ નથી થઇ અને અહેવાલ પણ રજૂ કર્યો નથી કે કસૂરવારો વિરૃધ્ધ પગલાં લેવાયા નથી. . 

સમગ્ર કૌભાંડની તપાસ કરી કસૂરવારો વિરૃધ્ધ કાયદાનુસાર પગલાં લેવા ઉગ્ર માંગ કરાઇ હતી. હાઇકોર્ટે ઉપસરપંચની સંડોવણી હોવાછતાં તેને છાવરવાના અને હજુ સુધી કોઇ પગલાં નહી લેવાના સત્તાવાળાઓના વલણની ગંભીર નોંધ લઇ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને સમગ્ર મામલે અમરેલી ડીડીઓ અને સરકારપક્ષનો ખુલાસો માંગ્યો હતો. કેસની વધુ સુનાવણી તા.૨૬મી એપ્રિલના રોજ મુકરર કરી છે.