બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ માર્કેટમાં વેચાણ કરી કોપી રાઇટ એકટનો ભંગનો કેસ
આરોપીઓની ગુનામાં સંડોવણી હોય તેવા કોઇ પુરાવા જણાતા નથી - કોર્ટ
અમદાવાદ જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ માર્કેટમાં વેચાણ કરી કોપી રાઇટ એકટનો ભંગ કરવાના કેસમાં ઉત્તરપ્રદેશના આગ્રાના પાંચ વેપારીઓને અત્રેની એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટે બિનતહોતમ છોડી મૂકવાનો આદેશ કર્યો હતો.
એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ સંદીપસિંહ ડોડિયાએ ચુકાદામાં બહુ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, જો તપાસનીશ એજન્સી દ્વારા પૂરતા પુરાવાના અભાવે માત્ર(ફાઇલ કરવા પૂરતુ આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ ફાઇલ કરાય તો એ માત્ર ઔપચારિક પ્રક્રિયા બની રહે અને તેનાથી સમાજમાં ગુનાનું અને બિનજરૃરી કામનું ભારણ વધારે છે. તેના કારણે ખરા ગુનેગારો ટ્રાયલથી બચી જતા હોય છે. કોર્ટે તપાસનીશ એજન્સીની તપાસ સામે જ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા .
કોર્ટે ચુકાદામાં મહત્ત્વપૂર્ણ નીરીક્ષણ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપીઓ વિરૃધ્ધ પ્રથમદર્શનીય રીતે ગુનો બનતો હોય તેવા કોઇ ગુનાહિત તત્વો તપાસના રેકર્ડ કે દસ્તાવેજો પરથી સ્પષ્ટ થતુ નથી. ચાર્જશીટના કાગળો જોતાં પણ આરોપીઓની ગુનામાં સંડોવણી હોય તેવા કોઇ પુરાવા જણાતા નથી. અરજદાર આરોપી વિરૃધ્ધ લાગુ પાડવામાં આવેલો ગુનો બેબુનિયાદ છે. સમગ્ર કેસમાં ચાર્જશીટના સત્યને જો માની લેવામાં આવે તો પણ આરોપીઓ વિરૃધ્ધ કોપી રાઇટ એકટ-૧૯૫૭ની કલમ-૫૧,૬૩,૬૪ અને આઇપીસીની કલમ-૪૨૦ મુજબનો ગુનો બનતો નથી.આ કેસમાં સમગ્ર ચાર્જશીટ જોતાં આરોપી વ્યકિતઓ સામે કોઇ ગુનાહિત તત્વનો પુરાવો જ નથી. પોલીસના ચાર્જશીટના કાગળો જોતાં પણ આરોપીઓની ગુનામાં સંડોવણી બનતી હોય તેવા કોઇ સીધા પરાવા પણ નથી, આરોપીઓ પાસેથી કોઇ મુદ્દામાલ પણ જપ્ત કરાયો નથી. માત્ર સહઆરોપીઓના નિવેદનના આધારે જ અરજદારોને પણ કેસમાં આરોપી બનાવી દેવાયા છે. કેસની તપાસ પરથી પણ એ સ્પષ્ટ થતુ નથી કે, અરજદાર આરોપીઓ કોપી રાઇટ એકટના ગુનામાં સંડોવણી ધરાવે છે.
ડિસ્ચાર્જ અરજીમાં એડવોકેટ અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, પોલીસે કોઇપણ નક્કર કે મજબૂત પુરાવા વિના જ અરજદારોને કોપી રાઇટ એકટના ભંગના ગુનામાં સંડોવી દીધા છે. એટલે સુધી કે, આરોપીઓ પાસેથી કોઇપણ પ્રકારનો મુદ્દામાલ કે વાંધાજનક વસ્તુ પણ મળ્યા નથી.