રાજ્યના સૌથી મોટા ડમીકાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી. બોર્ડની પરીક્ષા માટે હજારો અને સરકારી નોકરીમાં પાસ કરાવવા માટે ૧૦ લાખ સુધીની સોદાબાજી થતી હતી.
ભાવનગર: સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષામાં ડમી ઉમેદવાર-પરીક્ષાર્થી બેસાડવાના રાજ્યના સૌથી મોટા ડમીકાંડનો પર્દાફાશ થવાની સાથે જ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓ હાલ ભુગર્ભમાં ઉતરીને ફરાર થઇ ગયા છે. પોલીસે ૧૧ વર્ષથી ચાલતા ડમીકાંડના જળમૂળ સુધી પહોંચવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ડમીકાંડ કૌભાંડમાં સંડોવાયેલા મોટાભાગના આરોપીઓ ગ્રામ્ય વિસ્તારમાં નાસી ગયા હોવાથી બાકીના ૩૧ આરોપીઓને ઝડપી લેવા પોલીસની વિવિધ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ શરૃ કરવામાં આવી છે.
ભાવનગરમાં બે દિવસ પહેલા સમગ્ર રાજ્યમાં ચકચાર ફેલાવનારા ડમી કાંડ મહાકૌભાંડનો પર્દાફાશ કરાયો છે. વર્ષ ૨૦૧૨થી ચલાવતા ડમીકાંડના આરોપીઓ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી બેસાડવાથી માંડીને અને વિવિધ વિભાગોમાં સરકારી નોકરીમાં પાસ કરાવવા માટે પાંચથી દસ લાખમાં સોદા કરતા હતા. જે અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા ૩૬ આરોપીઓ વિરૃદ્વ સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.. જેમાં મુખ્ય સૂત્રધાર શરદ ભાનુશંકરભાઈ પનોત, પ્રકાશ ઉર્ફે પી.કે. કરશનભાઈ દવે, બળદેવ રમેશભાઈ રાઠોડ ઉપરાંત જેસર કોર્ટનો ક્લાર્ક પ્રદીપ નંદલાલ બારૈયાની ધરપકડ કરીને તેમના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૩૦થી ૩૧ તત્ત્વો તેમના આકાઓની રહેમદ્રષ્ટીથી ડમીકાંડ ઉઘાડું પડતા જ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. આ કૌભાંડની તલસ્પર્શી તપાસ માટે ભાવનગર રેન્જ આઈજી દ્વારા નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન સાથે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ ઉપરાંત સ્ટાફને પણ સીટમાં સમાવી આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને તેમના રહેઠાણ સ્થળ, લોકેશનો સહિતની જગ્યાએ શોધખોળ શરુ કરવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં ડમીકાંડના તપાસનિસ અધિકારી એસઓજી પીઆઈ એસ.બી. ભરવાડ ઉપરાંત એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ, એલસીબી અને એસઓજી સહિત આઠ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, સાત રાઈટર, પોલીસ હેડ ક્વાર્ટરમાંથી ૧૨ પોલીસ સ્ટાફની સાથે એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફની પણ મદદ માટે નિમૂણક કરવામાં આવી છે.
તો બીજી તરફ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કેસના માસ્ટર માઇન્ડ ગણાતા શરદ પનોત દ્વારા જ બોગસ હોલ ટિકીટ અને આધારકાર્ડ તૈયાર કરવામાં આવતા હતા.ભાવનગરના ટોપ-૩ની બાજુમાં શિવમઅમૃત-૦૪ના પ્લોટ નં.૩૪-૩૫માં રહેતો મુળ તળાજા તાલુકાના દિહોર ગામનો વતની શરદ પનોતના ઘરેથી જ ડમી કાંડના કૌભાંડને ચલાવતો હતો. ડમીકાંડમાં બળદેવ રાઠોડે એવી ચોંકાવનારી કબૂલાત આપી હતી કે, શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી.કે.ના કહેવાથી શરદના લેપટોપમાં તેણે આશરે ૭૦થી ૮૦ જેટલા જુદી-જુદી પરીક્ષાના ઉમેદવારોની હોલટિકિટ અને આધારકાર્ડમાં રહેલા ફોટામાં ચેડા કરી ડમી ઉમેદવારોના ફોટા ઉમેરી બોગસ હોલટિકિટ અને આધારકાર્ડ તૈયાર કરાયા હતા. જો એક ઉમેદવાર પાસે પાંચથી દસ લાખ રૃપિયા પડાવવામાં આવ્યા હોય તો આ રેકેટ કરોડો રૃપિયાનું માનવામાં આવી રહ્યું છે.