Home Videos Latest News Web Story

અમદાવાદ: કંપનીના કેશીયરના હાથમાં આવેલી બોગસ રસીદ પરથી સમગ્ર ભાંડો ફૂટયોઃ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

પાંજરાપોળ ચાર રસ્તા ખાતેના  થર્ડ આઈ વીઝન કોમ્પ્લેક્સમાં નેક્સા  કારના શો-રૂમમાંથી કર્મચારીઓ દ્વારા જ રૂપિયા ૧૯ લાખની ઉચાપત કરાયાની ફરિયાદ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જેમાં કંપનીના એકાઉન્ટન્ટના હાથમાં બોગસ રસીદ આવ્યા બાદ ત્રણ કર્મચારીઓની કરતુત સામે આવી હતી.જેમાં તેમણે ૧૧ જેટલા ગ્રાહકો પાસેથી રોક્ડમાં લીધેલી રકમમાંથી અમુક રકમ કંપનીમાં જમા ના કરાવી બોગસ રસીદો બનાવી ઉચાપત કરી હતી.

મકરબા ખાતે કટારીયા ઓટોમોબાઈલ્સ ખાતે  ફાઈનાન્સ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા રૂપેન પ્રફુલચંદ્ર છાયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના પાંજરા પોળ ચાર રસ્તા પાસે આવેલા મારૂતિના નેક્સા શો રૂમ ખાતે અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે. થોડા સમય પહેલા કંપનીના એકાઉન્ટન્ટ હિસાબ તપાસી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાને કેટલીક શંકાસ્પદ રસીદો આવી હતી. જે અંગે તપાસ કરાવતા કંપનીના ત્રણ કર્મચારીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં તપાસ કરતા ત્યાં નોકરી કરતા વિશાલ વ્યાસ, મોહંમદ નવાઝ મેમન અને આશિષ પટેલ નામના કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. તેમણે 11 જેટલા ગ્રાહકો પાસેથી નાણાં લઇને તે પૈકી કેટલીક રકમ કંપનીમાં જમા નહી કરાવીને  તેના બોગલ  બિલ બનાવ્યા હતા. જેમાં ૧૧ ગ્રાહકો પાસેથી આવેલા રૂપિયા ૯૧ લાખની રકમમાંથી આરોપીઓેએ રૂપિયા ૭૧,૮૧,૯૬૨ની મત્તા કંપનીમાં જમા કરાવી હતી. અને  બાકીના રૂ.૧૯,૨૪,૩૦૧ની મત્તા પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં જમા કરાવીને છેતરપિંડી આચરી હતી. આમ આરોપીઓએ બોગસ મનીરીસીપ્ટ, બોગસ ઈન વોઈસ, બોગસ પોલીસી તેમજ આરટીઓ ટેક્સની પહોંચો, ડીઓ લેટર વગેરે બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદીની કંપની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


Tags: employees