અમદાવાદ: બોપલમાં રહેતા અને પ્લેસમેન્ટ સર્વિસનું કામ કરતા મહિલા સાથે ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગના સાગરિતોએ સીટી બેંકનું ક્રેડીટ કાર્ડ આપવાનું કહીને લીંક મોકલ્યા બાદ મહિલાના અન્ય ક્રેડીટ કાર્ડમાંથી રૃપિયા ૧.૪૧ લાખની ઉઠાંતરી કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સીટીબેંકની લીંક ઓપન કરાયા બાદ મોબાઇલ ફોન હેંગ થઇ ગયો, બોપલ પોલીસ મથકે ગુનો નોંધાયો
બોપલ આરોહી કલબ રોડ પર આવેલા જલદીપ-૪ બંગલોઝમાં રહેતા ખ્યાતીબેન આચાર્ય પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે વ્યવસાય કરે છે. તેમને થોડા દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે જેમાં કોલ કરનારે સીટી બેંકના ક્રેડીટ કાર્ડ ડીવીઝનના અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે ખ્યાતીબેનને હાલ અન્ય ક્રેડીટ કાર્ડના સારા ટ્રેક રેકોર્ડ જોતા સીટી બેંક ક્રેડીટ કાર્ડ ઓફર કરે છે. જેમાં તેણે અનેક ઓફર આપી હતી. જેથી ખ્યાતીબેન સીટીબેંકનું કાર્ડ લેવાની હા કહી હતી. જેથી પ્રોસેસ ફીના નામે ૧૧૦ રૃપિયા લીધા બાદ તેમણે બીજી બેંકના કાર્ડની વિગતો મોકલી આપી હતી.થોડીવારમાં તેમને વોટ્સએપમાં સીટીબેંકની લીંક મળી હતી. જેમાં ક્લીક કરવાની સાથે જ તેમનો ફોન હેંગ થઇ ગયો હતો. સાંજે અચાનક ખ્યાતીબેનના બીજી બેંકના ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ વ્યવહાર દ્વારા ૧.૪૧ લાખ ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી તેમણે સીટી બેંકના નામે આવેલા કોલ પર ફોન કરતા તે સ્વીચ ઓફ આવતા હતા. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.